પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

ચોરી અટકાવવા

6/28/2022 9:00:38 AM

ઘરફોડ ચોરી અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રીની પ્રજાજોગ નમ્ર અપીલ

 • યાદ રાખો, ઘરફોડ ચોરી હંમેશાં બંધ મકાનમાંજ થાય છે. જ્યાં કોઈ રહેતું ન હોય, બહારગામ ગયેલ હોય, ઘણા સમયથી મકાન બંધ રહેતું હોય ત્યાંજ ઘરફોડ ચોરી થાય છે. આ માટે

 • આપ જ્યાંરે બહારગામ જાવ ત્યાંરે નજીકના પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકીમાં જાણ કરો આપનું પૂરું સરનામું તથા કેટલા દિવસ બહારગામ જાવ છો તેની પૂરેપૂરી વિગત લખાવો જેથી નાઈટ રાઉન્ડ દરમિયાન કે દિવસ દરમિયાન પેટ્રોલિંગ કરતી ફરજ પરની પોલીસ આવી જગ્યાની અવાર નવાર વિઝિટ કરી શકે

 • આપના મકાન બંધ કરો ત્યાંરે નકૂચા કે તાળાં બરોબર તપાસો તે બને ત્યાં સુધી મજબૂત અને સહેલાઈથી ખૂલી ન શકે તેવા રાખો લોખંડની મજબૂત ગ્રીલ દરવાજાની બહાર ફિટ કરો જેથી તસ્કર સહેલાઈથી ખોલી ન શકે.

 • આપના મકાનનાં બારી બારણા મજબૂત બનાવડાવો જેથી નટ બોલ્ટ, સ્ક્રૂ, મીજાગરા ઘણાજ મજબૂત રીતે ફિટ બારી બારણાંના કરાવો કે જેથી સહેલાઈથી ખૂલી ન શકે સળિયા પણ મજબૂતાઈથી દીવાલમાં ઊંડે સુધી ફિટ કરાવો તસ્કરો જલદીથી કાઢી ન શકે અને વાળી ન શકે

 • મકાન બંધ કરી બહારગામ જાવ ત્યાંરે આપના કીંમતી દાગીના, રોકડ, લોકરમાં મૂકીને જાવ ઘરમાં કીમતી વસ્તુઓ રાખવી હિતાવહ નથી. આજુબાજુના પડોશીઓ સાથે સારા સંબંધ કેળવો અને તેઓને પણ મકાનનું ઘ્યાન રાખવા વિનંતી કરો. જેથી તેઓ અવાર નવાર બંધ મકાન ઉપર ઘ્યાન આપી શકે.

 • આપને અચાનક બહારગામ જવાનું થાય અને દાગીના લોકરમાં કે સગાં સંબંધીને ત્યાં મૂકી શકો તેમ ન હોય તો કાયમી દાગીના જ્યાં રાખતા હોય ત્યાં નહીં રાખતા, ઘરમાં એવી જગ્યાએ સંતાડી રાખો કે જેથી તસ્કરને જલદીથી હાથ ન લાગે. જેમ કે કોઠાર રૂમ, રસોડામાં કે સ્ટોર રૂમમાં, અનાજના કોથળામાં અથવા અનાજ ભરેલી કોઠીમાં કે ગાદલાં ગોદડાંમાં કે કબાટમાં ગાદલાંઓ વચ્ચે રાખો જેથી જલદીથી તસ્કરને હાથ ન લાગે.

 • આપના લત્તામાં સોસાયટીમાં કોઈ અજાણ્યા ઈસમો ફરતા જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને કે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમના ફોન નં.-૧૦૦ ઉપર તાત્કાલિક જાણ કરો જેથી નજીકની ફરજ પરની પોલીસ મોબાઈલ આવી આવા શકમંદ ઈસમોની હીલચાલ અંગે પૂછપરછ કરી શકે અને ચોરી, ઘરફોડીના બનાવો અટકાવી શકે.

 • આપના લત્તામાં ભંગાર લેવાવાળા, ફુગ્ગા વેચવાવાળા, ભીખ માગવાવાળા, મંદિરના નામે ફાળો ઉઘરાવવા વાળા, ધાર્મિક તાંત્રિક વિધિ કરવાના બહાને લત્તામાં આવતા ઈસમો, સોનાના દાગીના ધોવાવાળા લે ભાગુ ઈસમો, જેનાં કપડાં સામે ઠામ વાસણ વેચવાવાળા ઈસમો આવે તેનાથી ચેતતા રહો, તેઓ દિવસ દરમિયાન બંધ મકાનો જોઈ ગયા બાદ રાત્રીના કે દિવસના ઘરફોડ ચોરીઓ કરતા હોય છે. શંકા લાગે તો આવા ઈસમોની પોલીસને માહિતી આપો. આપ બહારગામ જાવ ત્યાંરે બાથરૂમ કે રસોડા કે બહારના ભાગની લાઈટો કે જ્યાં લો વોલ્ટેજના બલ્બ હોય છે તે ચાલુ રાખીને જાવ અને એવી રીતે રાખો કે જેથી રાત્રીના બહારના રસ્તા પરથી પસાર થતા લોકોને મકાનમાં કોઈની હાજરી છે તેવો અહેસાસ થાય જેથી કોઈ તસ્કર મકાનમાં ચોરી કરવા ઘૂસે નહીં.

 • જો આપના મકાનમાં બહારના ભાગે પરસાળમાં કે ફળિયામાં લાઈટની સ્વિચ હોય તો રાત્રીના લાઈટો શરૂ કરવા અને સવારમાં બંધ કરવા આપના પડોશીઓને કે સગાં સંબંધીઓને જાણ કરો.

 • બની શકે તો સિલિન્ડર ડેડ બોલ્ટ લોક, પેડલોક કે ઈન્ટર લોક બારણામાં નખાવો, જેથી તસ્કરને આવાં તાળાં તોડવામાં મુશ્કેલી પડે.

 • બહારગામ જાવ ત્યાંરે મકાનના તમામ રૂમ, બાથરૂમ, સ્ટોર રૂમના બારી બારણાં અવશ્ય લોક કરો, જેથી કોઈ એક રૂમમાં પ્રવેશવામાં સફળ રહેલા તસ્કરો બીજા રૂમમાં ન જઈ શકે અથવા રૂમ બાથરૂમ, સ્ટોર રૂમ વેન્ટિલેશન કે બારીઓ વડે પ્રવેશ કર્યો હોય તો પણ મકાનના અન્ય ભાગોમાં જઈ ન શકે અને મકાનમાં કોઈ કીમતી ચીજ વસ્તુઓની ચોરી કરી ન શકે.

 • લાંબા સમય માટે બહાર ગામ જવાનું થાય તો ટપાલ અને છાપાંઓ કોઈ દરરોજ લઈ લે તેવી વ્યવસ્થા કરો. ઘણા દિવસનાં છાપાંઓ બહાર ફળિયામાં, ઓસરીમાં પડ્યાં હોય તે તમારી ગેર હાજરી અને બંધ મકાન છે તેવું જણાયા બાદ તસ્કરો ચોરી કરવાની હિંમત કરે છે.

 • રસ્તા પર પડતા બહારના ભાગે મુખ્ય દરવાજા પર મોટું તાળું મારવાથી રસ્તા પર જતા કોઈ પણ ઈસમ સહેલાઈથી તાળું જોઈ શકે છે. અને મકાનમાં કોઈ હાજર નથી તે સાબિત થાય છે. જેથી રસ્તા પર પડતા મુખ્ય દરવાજામાં બને તો બારણાની પાછળના ભાગે, અંદરના ભાગે તાળું લગાડવાનું રાખો જેથી કોઈ સહેલાઈથી જોઈ ન શકે.

 • મકાન બંધ કરીને બહારગામ જાવ ત્યાંરે તિજોરી, કબાટની ચાવીઓ સહેલાઈથી તસ્કરોને મળે તે રીતે નહીં રાખતા, ગુપ્ત રીતે રસોડા, કઠોર, સ્ટોર રૂમમાં ફક્ત તમોને જ મળે તે રીતે તાડીને ચાવીઓ મૂકીને જાવ.

 • રસ્તા પર પડતા મુખ્ય દરવાજાની બહારના ભાગે મોટું લટકતું તાળું લગાડવાથી કોઈ પણ રાહદારી તાળું જોઈ શકે છે અને મકાનમાં કોઈ હાજર નથી તે જાણી શકે છે જેથી મુખ્ય દરવાજાને અંદરના એટલે કે દરવાજાની પાછળના ભાગે તાળું મારવાનું રાખો જેથી સહેલાઈથી કોઈને જાણ ન થઈ શકે.

આમ. ચોરી તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવો અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી તરફથી ઉપરોકત મુદ્દાઓમાં બતાવેલ બાબતોને ઘ્યાને લેવા પ્રજાજોગ નમ્ર અપીલ કરેલ છે.

વાહન ચોરી અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રીની પ્રજાજોગ નમ્ર અપિલ

 • તમારા વાહનની ચોરી ન થાય તે માટે તમે પોતે જાગ્રત બનો તેમજ તમારા વાહનને કંપનીએ આપેલ હેન્ડલ લોક અવશ્ય કરો.

 • જો ઘરમાં પાર્કિંગ વ્યવસ્થા ન હોય તેવા સંજોગોમાં રાત્રીના સમયે એક વધુ લોક અવશ્ય રાખવું.

 • વાહન કોઈ જાહેર સ્થળે પાર્ક કરો ત્યાંરે આજુબાજુ અવશ્ય નજર કરો કે તમારું વાહન કોઈ અન્ય સંબંધિત ન હોય તેવો વ્યક્તિ તમારા વાહન પાર્ક કરવા પર નજર રાખીને બેઠો છે કે કેમ?

 • વાહન પાર્ક કરતી વખતે ખાસ ઘ્યાન રાખો કે ત્યાં માણસોની અવર જવર વધુ થતી હોય તેવું સ્થળ પસંદ કરવું.

 • વાહનના રજિસ્ટ્રેશન નંબર, નંબર પ્લેટો સિવાય અન્ય બે-ત્રણ જગ્યાએ વાહનમાં લખાવો કે જેથી રજીસ્ટ્રેશન નંબરની પ્લેટો બદલી નાખવામાં આવે તો પણ તમારું વાહન ઓળખી શકાય.

 • બાઈક જેવાં વાહનોમાં આગળના વ્હિલ માટે બજારમાં મળતા "ગ" લોકનો ખાસ ઉપયોગ કરવો.

 • આર.ટી.ઓ. ના કાગળો વગરનાં વાહનો ક્યારેય ખરીદવાં નહીં.

 • તમારા વાહનની ચોરી થયેલ હોય તો તુરત જ કંટ્રોલરૂમને જાણ કરો જેથી તમારું વાહન ગુનેગાર અન્ય ગુનાઓમાં વાપરી શકે નહીં.

 • તમારા વાહનની ડેકીઓમાં કોઈ પણ કીમતી ચીજ વસ્તુઓ મૂકો ત્યારે વાહન રેઢુ ન રાખો અને ડેકીનો લોક મજબૂત રાખવો.

 • વાહનની ખરીદી કરો ત્યાંરે કંપનીના લોક સિવાય અન્ય જેવા કે પેટ્રોલ લોક તથા અન્ય સ્વિચ જેવા લોક અવશ્ય રાખો.