હું શોધું છું

હોમ  |

ઘરની સલામતી
Rating :  Star Star Star Star Star   

 

ઘરની સુરક્ષા અને સાવધાની માટેનાં પગલાં (Home Safety)

 

ઘરના મુખ્ય દરવાજા અને પાછળના દરવાજા તેમ જ બારી અને તેની ગ્રિલો અતિ મજબૂત બનાવવાનો અને અંદરથી ફિટ કરવાનો આગ્રહ રાખો. ગ્રિલ, બારીબારણામાં મજબૂત સ્ક્રૂનો ઉપયોગ કરો.

મકાનમાં સરળતાથી પહેલા માળે કે ગેલેરીમાં ચઢી ન શકાય તે માટે જરૂરી ગ્રિલ કે અવરોધો બનાવો. મકાન નજીક વૃક્ષ કે ઇલેક્ટ્રિક તેમ જ ટેલિફોનના થાંભલા ઉપરથી ઘરમાં પ્રવેશ શક્ય હોય તો ધાબાના દરવાજા સહિત જ્યાં જરૂર જણાય ત્યાં ગ્રિલ બનાવી જરૂરી તકેદારી લો.

ઘરના મુખ્ય દરવાજા ઉપરાંત જાળીવાળો દરવાજો પણ અચૂક બનાવો જેથી અજાણ્યા મુલાકાતીને ઘરમાં પ્રવેશ આપતાં પહેલાં ઓળખાણ કે ઓળખની ખરાઈ થઈ શકે.

ઘરમાં મુખ્ય દરવાજામાં આઇગ્લાસ, ડોરચેઇન ઉપરાંત શક્ય હોય તો વીડિયોડોર ફોન અને બહુમાળી મકાનમાં સિક્યોરિટી વ્યવસ્થા સાથે ઇન્ટરકોમની વ્યવસ્થા પણ રાખો. તાળાં ઊંચી ગુણવત્તાનાં અને મજબૂત પ્રકારનાં જ પસંદ કરો.

ઘરના મુખ્ય દરવાજા અને રસોડાના/પાછળના દરવાજામાં બહારથી તાળાં ઉપરાંત ઇન્ટર્નલ લોક પણ રાખો. અહીં બારીબારણાંના નકૂચા સ્ક્રૂથી નહીં પણ નટ-બોલ્ટથી ફિટ કરાવો.

દરેક એપાર્ટમેન્ટ, સોસાયટી તેમ જ બંગલાના આયોજનના તબક્કેથી જ સિક્યોરિટી હેતુથી અદ્યતન આયોજન કરો. મકાનની સલામતી માટે ઉપલબ્ધ મેગ્નેટિક સેન્સર, સ્મોક સેન્સર, અપપ્રવેશની કોશિશ કે અપપ્રવેશ રોકતાં એલાર્મ બંધ ઘરમાં પ્રવેશતાં માલિક-પોલીસ સહિત અમુક વ્યક્તિને જાણ કરતી સર્કિટ/ડિવાઇઝ વગેરે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરો.

દરેક સોસાયટી અને એપાર્ટમેન્ટ તેમ જ ઓફિસ કોમ્પ્લેક્સ અને ગોડાઉન વિસ્તારમાં શિફટમાં વોચમેન રાખો. બહારથી આવતા મુલાકાતી માટે વિઝિટર્સ બુક રાખો. તેઓના વાહનના નંબર લખવાની પ્રથા અપનાવો

ઘરમાં નોકર રાખતાં પહેલાં તેની સાચી ઓળખ નક્કી કરો. તેના ફોટા સાથેનો રેકર્ડ (સંપૂર્ણ વિગત) અને તેની ભલામણ કરનારનું નામ વગેરે નોંધી રાખવું. તેના સંપર્કની વિગત પણ નોંધી રાખો. જરૂર જણાયેથી તેનું પોલીસ સ્ટેશન મારફત ચારિત્ર વેરિફિકેશન કરાવવું.

ઘરમાં રિપેરિંગ (લાઇટ ફિટિંગ,પ્લમ્બિંગ વગેરે) જાણીતા માણસો/એજન્સી પાસે જ કરાવો. ઘરમાં રિપેરિંગ ચાલુ હોય ત્યારે ઘરની એક વ્યક્તિ કે નોકર હાજર રહો. ચેનલ/કેબલ, ઇન્ટરનેટ પ્રોવાઇડર, મોબાઇલ ફોન સેવા પૂરી પાડનાર, સેલ્સમેન, ફેરિયા વગેરેને ઘરમાં પ્રવેશ ન આપો. તેની ઓળખની ખાતરી કર્યા બાદ જ તેની સાથે વ્યવહાર કરો.

 મકાનના કમ્પાઉન્ડ અને સ્ટેરકેસમાં રાત્રી દરમ્યાન લાઇટની વ્યવસ્થા કરો. રાત્રે દૈનિકક્રિયા માટે જ્યારે પણ જાગવાનું થાય ત્યારે મકાન આસપાસ નજર કરવાની ટેવ પાડો.

ઘરફોડ ચોરી કે લૂંટફાટ કરનાર ઘરમાં પ્રવેશની પહેલા કે પ્રવેશની સાથે ટેલિફોન તાર કાપી નાખવાની ટેવ ધરાવતા હોય છે. આપનો મોબાઇલ ફોન સૂવાની જગ્યાએ સાથે રાખો અને પોલીસ હેલ્પલાઈન (સ્થાનિક પોલીસ સ્ટેશન તેમ જ જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમના નંબર અવશ્ય રાખો. મુશ્કેલીના સમયે મદદ માટે સંકલન કરે તેવા મિત્રોની મદદ પણ લો. પરસ્પર મદદ માટે આપ પૂર્વ નિર્ધારિત સમયે મિત્ર સાથે રિહર્સલ પણ કરી શકો છો

ઘરના મહત્ત્વના કારોબાર તેમ જ કીમતી દાગીના વગેરે અંગે તેમ જ બહાર રહેતાં સગાં-સંબંધી અંગે અજાણ્યા માણસો સામે રૂબરૂમાં ચર્ચા ટાળો.

મકાનની ચાવી મકાન બંધ કરતી વખતે મકાન આસપાસ છુપાવવાનું ટાળો. તેમ જ મકાનની ચાવી ભરોસાપાત્ર પાડોશી સિવાય અન્યને ક્યારેય ન આપો. ઘરના નોકરોના હાથમાં ચાવી આવે તે રીતે ચાવીઓ ન રાખો. જ્યારે ઘર બંધ કરીને બહાર જવાનું થાય ત્યારે પાડોશીને તકેદારી લેવા જાણ કરો.

પાડોશી સાથેના સંબંધો સારા રાખો અને મિલકત સંબંધિત ગુના સંબંધે પરસ્પરની તકેદારી લેવાના સંબંધો રાખો.

ઘરના સભ્યોને ઘર બહાર જવાનો સમય અલગ અલગ હોય અને વચ્ચે ઘર બંધ રહેતું હોય તો દરેક સભ્ય પાસે ચાવીનો અલગ સેટ રાખો. ચાવી અડોશપડોશમાં આપવાનું ટાળો. જો પ્રસંગોપાત્ત ચાવી આસપાસમાં આપવાનું થતું હોય કે નોકરોના હાથમાં ચાવી જતી હોય તો તાળાં અવારનવાર બદલતા રહો.

કીમતી દાગીના-રોકડ વગેરે સુરક્ષિત રાખવા ઘરમાં મજબૂત કબાટ/સેફ રાખો, જેની ચાવી ક્યાંય આસપાસમાં કે ટીવી કેબિનેટ-ફોન નીચે છુપાવવાની ટેવ ન રાખો. શક્ય હોય ત્યાં સુધી દાગીના-રોકડ બેન્ક લોકર/બેન્કમાં જમા રાખો.

સોસાયટીના આંતરિક રોડ પર સોસાયટી પ્રમુખ કે સિક્યોરિટીના માણસો મારફત ફેરિયાઓનો પ્રવેશ રોકી શકાય છે. આપની સોસાયટી અને એપાર્ટમેન્ટમાં જેના ચારિત્ર અંગે ખરાઈ કરેલ છે તેવા જ સ્વીપર, ધોબી, શાકભાજીવાળા, છાપાવાળા અને અન્ય ફેરિયાને પ્રવેશ આપો. ગેસ રિપેર કરનાર, પ્લમ્બર અને અન્ય રિપેરિંગ કરનાર પણ માન્ય અને જાણીતી વ્યક્તિઓ પાસે જ કામ કરાવો. આવા તમામનાં નામ-સરનામાં અને ફોનથી વાકેફ રહો.

 અનાથાશ્રમ, ઘરેણાં ધોઈ સાફ કરી આપનાર, સેલ્સમેન, બાળભિખારી વગેરે ઓળખ સાથે બપોરના કે એકાંતના સમયે આવનારથી ખાસ ચેતતા રહો. એકલી મહિલા કે વૃદ્વ સાથે તેઓ દ્વારા છેતરપિંડી કે ગુનો કરવાની શક્યતા હંમેશા ઘ્યાન પર લો.

બાળકોના મિત્રો, શાળા/સ્કૂલનાં વાહનો તેમ જ અગત્યના અન્ય સંપર્કોની વિગત હાથવગી રાખો.

આપનું મકાન વિકાસ પામી રહેલા વિસ્તારમાં આવેલું હોય, આપના મકાન પાસે કોઈ ખાલી પ્લોટ હોય કે મકાન છેવાડાના વિસ્તારમાં આવ્યું હોય તો તે જગ્યાએ મિલકત વિરુદ્ધના ગુના થવાની વિશેષ શક્યતા છે. આવા વિસ્તારમાં દિવસ દરમ્યાન મજૂરો, ભિખારી, સાધુબાવા વગેરેના સ્વાંગમાં ફરતા અજાણ્યા માણસો ઉપર ખાસ નજર રાખો. તેમ જ જ્યારે આપનું ઘર બંધ રહેનાર હોય તે વખતે ખાસ તકેદારી રાખો, જેમાં બિનજરૂરી રીતે કીમતી જણસ બંધ ઘરમાં ન રાખો અને પાડોશી તેમ જ સ્થાનિક પોલીસ સ્ટેશનને આપનું ઘર બંધ રહેવા અંગે ખાસ જાણ કરો.

 આપ ઘરમાં એકલા હોય ત્યારે આપને બેઘ્યાન બનાવવા અને ટેન્શનમાં મૂકી ચીલઝડપ કે ચોરી/ગુનો કરવાના આશયથી ગુનેગારો અકસ્માત અથવા તુરંત ઘર બહાર નીકળેલ સગાંસંબંધી તકલીફમાં છે તેવી માહિતી આપી બહાર બોલાવે છે, અકસ્માતમાં કોઈ સગાંવહાલાંને પૈસાની જરૂર છે વગેરે ખોટા સમાચાર આપે છે. જ્યારે પણ અજાણી વ્યક્તિ દ્વારા આવા સમાચાર મળે ત્યારે સ્વસ્થતાથી સાંભળી યોગ્ય પ્રતિભાવ આપો અને પાડોશી તેમ જ પોલીસની મદદ લો.

આપના રહેઠાણ બહાર રોડ પર કે ગલ્લા વગેરે પર ટપોરી એકઠા થતા હોય તો પોલીસના ઘ્યાન પર મૂકો. તેઓની ત્રાસદાયક વર્તણૂકથી છુટકારો મેળવવા હંમેશા પોલીસની મદદ લો.

આપે આપની મિલકતની ચોરી/લૂંટફાટ કરનાર સામે વાજબી પ્રતિકાર કરી તે ઘટના રોકવા વાજબી બળ વાપરવાનો આપને અધિકાર છે. આવા પ્રસંગે આમ કરતાં પહેલાં તક મળે તો પોલીસ અને અન્ય મિત્રોની મદદ લેવાનો પ્રયાસ કરો

જ્યારે પણ મિલકત વિરુદ્ધના ગુના માટે ગુનેગાર નજરે પડે ત્યારે પ્રથમ પોતે અને આસપાસના રહીશો સતર્ક થઈ તત્કાલ પોલીસને જાણ કરો અને ગુનેગારને પડકારવાને બદલે તેની હરકત પર નજર રાખી પોલીસની મદદ માટે સ્થાનિક પોલીસ સ્ટેશન ઉપરાંત જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ પર જાણ કરો.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ભારતીય નાગરીકત્વ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
પોલીસ સેવાઓ
ચોરી અટ્કાવવા
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 01-08-2015