ઈતિહાસની અટારીએ રાજકોટ
રાજકોટ નગર આજી નદીના કાંઠે ૧૬૧૦ની સાલમાં વસ્યું એ સમયના
ઠાકોર વિભાજીએ આ શહેરની સ્થાપના કરી. ર૮ર ચો. સ્કવે. માઇલ અને ૬૪ ગામો
ધરાવતું રાજ હતું. ૧૭ર૦ની સાલમાં સોરઠ પ્રાંતના નાયબ ફોજદાર માસૂમ ખાને ઠાકોર મેરામણજી બીજાને લડાઇમાં હરાવા અને રાજકોટ સર કર્યું અને રાજકોટનું નામ માસૂમાબાદ રાખવામાં આવ્યું. ફરી પાછું ૧૭૩રમાં ઠાકોર મેરામણજીના પાટવી કુંવર રણમલજીએ પિતાનું વેર લેવા માસૂમખાનને રાજકોટમાં ઠાર કર્યો અને રાજકોટ જીતી લીધું. આ વિજયની સાથે આ નગરનું નામ ફરીથી રાજકોટ રખાયું.
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ૧૮રરની સાલમાં રાજકોટમાં
બ્રિટિશ એજન્સીની સ્થાપના થઇ અને તેને કાઠીવાડ એજન્સી નામ અપાયું. હાલનો કોઠી કંપાઉન્ડ વિસ્તાર
જ્યાં કસ્ટમ અને રેલવેની કચેરીઓ બેસે છે ત્યાં એ સમયે બ્રિટિશ પોલિટિકલ એજન્ટની કચેરી અને નિવાસ હતા એ સમયે રૈયા નાકા ટાવર-બેડી નાકા ટાવરની અંદરનો વિસ્તાર રાજકોટનો વિસ્તાર હતો. ફરતી ગઢની રાંગ હતી. જયારે હાલનો સદર વિસ્તાર એજન્સીનો હતો.
૧૮૮૯માં રાજકોટ-વાંકાનેર સાથે રેલ્વેથી જોડાયું. ૧૮૯૩માં રાજકોટને જેતલસર સાથે રેલ્વે લાઇનથી સાંકળી લેવામાં આવું. એ સમયની મીટરગેજ રેલ્વે લાઇન હાલના શહેરના ધોરી નસ જેવા ઢેબર રોડ ઉપરથી પસાર થતી હતી.આજી કાંઠે વસેલા રાજકોટને પાણી પૂરું પાડવા માટે ૧૮૯પની સાલમાં લાલપરી તળાવ બાંધવામાં આવ્યું. બે વર્ષ પછી ડેરી તથા અશ્વાલય સ્થપાયાં.
૧૯ર૧ની સાલમાં કાઠીવાડ રાજકીય પરિષદની પહેલી બેઠક રાજકોટમાં મળી અને ૧૯ર૩માં ઠાકોર સાહેબ લાખાજીરાજે પહેલી પ્રતિનિધિ સભાની સ્થાપના કરી વહીવટને લોકાભિમુખ બનાવ્યો.
૧૯રપમાં મહાત્મા ગાંધી રાજકોટ આવ્યા અને રાષ્ટ્રીય શાળાની પ્રવૃત્તિનો પ્રારંભ થયો આજે તે ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ અને પ્રખાત પટોળા માટેનું મહત્ત્વનું કેન્દ્ર બની ગયું છે.
૧૯૩૭માં દીવાન વિરાવાળાના જુલ્મી તંત્ર સામે બેચરવાલા વાઢેરે તહોમતનામું પોકાર્યું. અને ૧૯૩૮માં રાજકોટ સત્યાગ્રહ શરૂ થયો જેનું સરદાર વલ્લભભાઈ પટેલે આવીને સમાધાન કરાવ્યું. પાછળથી તેનો ભંગ થયો. એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શાળામાં ઉપવાસ શરૂ કર્યો. ૧૯૪રની હિન્દ છોડો ચળવળ સમયે રાજકોટ ભૂગર્ભ લડત પ્રવૃત્તિઓનું મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું.
સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક કેન્દ્ર એટલે રાજકોટ. રાષ્ટ્રની સૌપ્રથમ ઔદ્યોગિક વસાહત ભકિતનગર ઉદ્યોગનગર, રાજકોટમાં સ્થપાયેલ. ડીઝલ એન્જીન ઉત્પાદન ક્ષેત્રે રાજકોટ દેશભરમાં બહુ મોટું છે. એવું જ રાજકોટની સોનાચાંદી બજારનું છે. રાજકોટની સોનાચાંદીની કારીગરી દેશપરદેશમાં મશહૂર છે. લઘુ ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટ શહેરનું નામ રાષ્ટ્રભરમાં જાણીતુંછે. રળિયામણું રાજકોટ
ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમતું રાજકોટ, સાંસ્કૃતિક કલા અને રમતગમતની પ્રવૃત્તિઓથી સતત કાર્યરત રહેતું રાજકોટ સૌરાષ્ટ્રના કેન્દ્ગસમું છે.
ભૂતકાળમાં સૌરાષ્ટ્ર રાજ્ય સમયે સૌરાષ્ટ્રના પાટનગર તરીકે પંકાયેલા રાજકોટ તેની આન અને શાન આપમેળે સ્વબળે આગળ ધપાવી છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ રાજકોટમાં રહ્યા, બાળપણ અને વિદ્યાર્થીકાળ તેમણે રાજકોટમાં વિતાવ્યો તેઓ એ સમયે જ્યાં રહેતાં હતા. એ લાખાજીરાજ રોડ પરનો કબા ગાંધીનો ડેલો આજે તો ગાંધી સ્મૃતિ તરીકે ઓળખાય છે.
એવી જ રીતે મહાત્મા ગાંધીએ જ્યાં અભ્યાસ કર્યો હતો. એવી આલ્ફ્રેડ હાઇસ્કૂલ જ્યુબિલી બાગ નજીક આવેલી છે. આજે આ હાઇસ્કૂલ મહાત્મા ગાંધી વિદ્યાલય તરીકે જાણીતી છે. આ શાળામાં મહાત્મા ગાંધીજીનાં જીવન દર્શન પરનું પ્રદર્શન પણ છે.
શહેરનો જ્યુબિલીબાગ અને તેમાં આવેલી ભવ્ય ઇમારતમાં એક બાજુ સો વર્ષ પુરાણી લેંગ લાઇબ્રેરી રજવાડાઓની યાદ તાજી કરાવતી કૃતિઓ અને વસ્તુઓ જોવા મળે છે. તો બીજી પણ અનેકવિધ વસ્તુઓથી વોટસન મ્યુઝિયમ જોનારાનું મન આકર્ષે છે.
આજ ઇમારતમાં આગળના ભાગમાં મોટો હોલ છે. જે અગાઉ કોનોટ હોલ તરીકે જાણીતો હતો અને હાલ અરવિંદભાઇ મણિયાર હોલ તરીકે ઓળખાય છે. આ હોલમાં દરરોજ અનેકવિધ કાર્યક્રમો યોજાય છે. શહેરની મધ્યમાં આવેલ હોય સૌ કોઇને અનુકૂળ પડે છે.
આ હોલમાં એક સમયે સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભા બેસતી હતી. આ ઇમારતની પાછળના ભાગમાં સૌરાષ્ટ્ર કચ્છ વિભાગની પ્રાદેશિક માહિતી કચેરી અને પુરાતત્ત્વ વિભાગની કચેરીઓ છે.
જ્યુબિલી બાગની નજીકમાં જ કોઠી કંપાઉન્ડ નામે ઓળખાતી જગ્યા એક સમયે
બ્રિટિશ સરકારના સમયમાં એજન્સીનું થાણું કહેવાતું અને કાઠિયાવાડ માટેના પોલિટિકલ એજન્ટ કોઠી કંપાઉન્ડમાં આવેલ વિશાળ બંગલામાં રહેતા હતા. આજે તો
ત્યાં રેલ્વે વિભાગીય કચેરી બેસે છે. અને કોઠી કંપાઉન્ડમાં રેલ્વે કચેરીઓ ઉપરાંત રેલ્વે
ક્વાર્ટસ છે.
|