(૧૭) સિનેમા, થિયેટર N.O.C. આપવા અંગે :
જાહેર પ્રજાના મનોરંજન માટેનું એકમાત્ર મહત્વનું સાધન સિનેમા છે. સિનેમા પ્રદર્શિત કરવા માટે સિનેમાગૃહો ચલાવવામાં આવે છે અને સિનેમાગૃહો શરૂ કરતાં પહેલાં તેના બાંધકામ માટે સંબંધિત કચેરી પાસેથી એન.ઓ.સી. (ના વાંધા પ્રમાણપત્ર) મેળવવાનું રહે છે. સિનેમાગૃહો શરૂ કરતાં પહેલાં કલેક્ટરશ્રી પાસેથી પરવાનો લેવાનું ફરજિયાત છે. ગુજરાત સિનેમા વિડીયો દ્રારા પ્રદર્શનનું નિયમન કરવા બાબતના નિયમો : ૧૯૮૪ (૨) સિનેમા મલ્ટીપ્લેક્ષ લાયસન્સ નિયમ ૧૦૩ હેઠળ ગુજરાત સિનેમા નિયમ - ૨૦૧૪ અન્વયે પરવાનો મંજૂર કરવાનો તથા જૂના પરવાના તાજા કરવા અંગેના નિયમો મુકર્રર કરવામાં આવેલ છે. સદરહુ કાયદા અને નિયમ અનુસાર નવા પરવાના માટે નિયત નમૂના મુજબના ફોર્મમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહે છે. તથા શહેરી વિકાસ સત્તા મંડળ/મ્યુનિસિપલ કોર્પોરેશન, કાર્યપાલક ઈજનેરશ્રી, ફાયર બ્રિગેડ તથા સ્થાનિક પોલીસના એન.ઓ.સી.ના આધારે સ્થળની ચકાસણી કર્યા બાદ કલેક્ટરશ્રીની કચેરી તરફ જરૂરી અભિપ્રાય મોકલી આપવામાં આવે છે.
(૧૮) મનોરંજન કાર્યક્રમો યોજવા માટેનો પરવાનો :
મનોરંજન કાર્યક્રમો અંગેના પરવાના બાબતે અરજદારે www.ifp.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે. કાર્યક્રમ યોજવા માટે અરજદારની અરજી સાથે હોલ/પાર્ટી પ્લોટ બુકીંગ કર્યાની ભાડા પહોંચ, નાટકના કિસ્સામાં, નાટક યોજવા માટે સાંસ્કૃતિક બોર્ડનું પ્રમાણપત્ર તેમજ ફાયર સેફ્ટી અંગે પ્રમાણપત્ર તેમજ રહેઠાણ/ઓળખના પુરાવાઓ અરજી સાથે સામેલ કરવાનું રહે છે. અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્ટેશનથી સદરહું બાબતે અભિપ્રાય સાથે મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી/નાયબ પોલીસ કમિશનરશ્રી ટ્રાફીકના અભિપ્રાય બાદ કાર્યક્રમ યોજવા માટે મંજુરી આપવામાં આવે છે.
(૧૯) સાર્વજનિક આનંદ-પ્રમોદના સ્થળના સંચાલન માટેનો પરવાનો
(બેન્કવેટ હોલ, કોમ્યુનીટી હોલ, પુલ,પાર્લર, હેલ્થ ક્લબ, એમ્યુઝમેન્ટ પાર્ક) :
સુરત શહેર વિસ્તારમાં સાર્વજનિક આમોદ-પ્રમોદનાં સ્થળો માટે પોલીસ કમિશનર સુરત શહેરના જાહેરનામાથી ઘડાયેલા નિયમો મુજબ પરવાનો મેળવવો ફરજિયાત છે. સાર્વજનિક આમોદ-પ્રમોદના સ્થળજેવા કે બેન્કવેટ હોલ, કોમ્યુનીટી હોલ, પુલ, પાર્લર, હેલ્થ ક્લબ, એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવા માટે નિયત અરજી ફોર્મમાં જરૂરી દસ્તાવેજો સાથે પોલીસ કમિશનરશ્રીની કચેરી ખાતે અરજી કરવાની રહે છે. ફાયર ખાતાની NOC સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક શાખાના અભિપ્રાય મેળવી પરવાનો આપવામાં આવે છે. પરવાનાની મુદ્દત પુરી થતાં પરવાનો રીન્યુ કરવા માટે એક માસ અગાઉ અરજી કરવાની રહે છે.
|